-જયસુખ કુછડીયા
આજે મને એ વાત નું ખુબ જ દુઃખ છે કે હું મારી માતૃ ભાષા તરીકે ગુજરાતીને
ગુમાવી રહો છું. જેમ આજના સમયમાં સંતાનો પોતાના માતા-પિતાને વૃદ્ધા આશ્રમમાં મુકે
છે. તેમ આપણી ગુજરાતી ભાષા ખંઢેર બની ગયેલા પુસ્તકાલયોમાં પડી છે. તેમાં બેઠેલા નર્મદ,
મેઘાણી, કલાપી અને કાકાસાહેબ કાલેલકરને પણ વિચાર આવતો હશે કે ખરેખર! આ બધુ ખોટું
થઈ રહ્યું છે.
આજે આપણે
બીજાનું અપનાવવા જતા આપણું છોડી દઈએ છીએ. અંગ્રેજી શીખવા સામે આપણે કોઈ વાંધો નથી,
પણ સાહેબ! જે ભાષા તમારા ગર્ભસંસ્કાર સાથે જોડાયેલી છે તેને આપણે ન ભુલવી જોઈએ.
આજના વર્તમાન સમયમાં આપણી ગુજરાતી ભાષા પર અંગ્રેજી ભાષાનો દબદબો એટલો વધતો જાય છે
કે તેની વાત ન પૂછો. આજે આપણે ત્યાં માતા-પિતાઓ પોતાના સંતાનોને ભણવા માટે ગુજરાતી
માધ્યમમાં મૂકવાને બદલે સીધા અંગ્રેજી માધ્યમમાં મૂકી દે છે. પરિણામે તે બાળકોમાંથી
ગુજરાતી કવિતાઓ અને ગુજરાતી સંગીતો કે જોડકણા જેવા ગુણો વિકસતા નથી.
જે
ભાષામાં તમે સ્વપન જોય શકો, જે ભાષામાં તમે મન મોકળું રાખી તમે હસી-રડી શકો તે
આપણી જનની સમાન માતૃ ભાષાને સાચવો અને માન આપો આપણે અંગ્રેજો પાસેથી એટલું તો
શીખીએ કે તેઓ તેમની ભાષામાં આપણા ગુજરાતી શબ્દો કેટલા વાપરે છે તેની ખબર છે આપણે?
આપણો ભારત દેશ આઝાદ થયો તેને ઘણા વર્ષો વીતી ગયા પણ આપણે તેમની ભાષાને હજી પણ
વર્ષોથી વળગી રહ્યા છે, આવી ગુલામી મનોદશાને ખરેખર હવે આપણે ત્યાગી દેવી જોઈએ.
આપણા સૌ નું દુર્ભાગ્ય એ છે કે માતૃભાષા તરીકે આપણે ગુજરાતીને સારી રીતે સમજી શકતા
નથી.
ગુજરાતી સાહિત્યનાં રતન દીવડાઓ જેવા કે આધકવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા, ધૂમકેતુના
તણખા, પ્રેમાનંદના આખ્યાન, અખાના છપ્પા, દયારામની ગરબી, મીરાંના પદ, ચારણોના દુહા,
ભોજા ભગતના ચાબખા, નર્મદની હકીકત, કાકાસાહેબ કાલેલકરનો નર્મદા પ્રવાસ અને આપણા
મહામુલા મેઘાણીના કંસુબીના રંગમાં આજે પણ ગુજરાતી સાહિત્ય અડીખમ ઉભું છે. આજના
બાળકોને અંગ્રેજી લેખકો જેવા કે શેક્સપિયર, જ્યોર્જ બનાર્ડ શો વગેરેની ખબર હશે પણ ગુજરાતી
લેખકો જેવા કે ઉમાશંકર જોશી, ચંદ્રકાન્ત બક્ષી અને બાળકોની “મૂછાળી માં” તરીકે ઓળખાતા ગીજુભાઈ બધેકા વિશેની માહીતીનો શૂન્યવકાશ છે.
કેમ આવું!
આપણી
માતૃભાષા જો નબળી પડતી હોય તો તેના માટે પહેલો જવાબદાર ગુજરાતી માણસ છે.મારી એક સૌ
વાચકોને નમ્ર વિનંતી છે કે લાઈબ્રેરીમાં જઈ ગુજરાતી ભાષાના સારા પુસ્તકો જેવા કે પન્નાલાલ
પટેલની માનવીની ભવાઈ, કલાપીનો કેકારવ, મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર અને ગોવર્ધનરામ
ત્રિપાઠીનું સરસ્વતીચંદ્ર જેવા પુસ્તકોનું વાંચન કરીએ અને આવતી કાલનું જે ભારતનું
ભવિષ્ય છે તેવા આપણા બાળકોને પણ જન્મ-દિવસ નિમિતે આવા ગુજરાતી સાહિત્યના પાંચ પુસ્તકો
આપણે તેને ભેટમાં આપીએ. કારણ કે નહીતર ભવિષ્યમાં પરિસ્થિતિ એવી ઉભી થશે કે ગુજરાતી
ભાષાની ચર્ચા કે ચિંતા પણ અંગ્રેજીમાં કરવી પડશે એવો સમય ન આવે. ચાણક્યના શબ્દોમાં
કહીએ તો “જે પ્રજાને તેના
પુરાતન ઇતિહાસ કે સંસ્કૃતિ થી ડીસકનેક્ટ કરી નાખો એટેલે તેનું આપમેળે પતન થઈ જશે”. એવી રીતે આપણી આવનારી નવી પેઢીને આ ગુજરાતી સાહિત્ય સાથે
જોડશું નહી તો આપણી માતૃભાષા ધીમે ધીમે લુપ્ત થશે અને આપણે તેને ગુમાવવી પડશે.
ગુજરાતી
ભાષા આપણે ગુજરાતમાં અને દુનિયાના કોઈ પણ ખૂણે તમારામાં ગુજરાતીપણું છે એવો એહસાસ
કરાવે છે. ગુજરાતી ભાષાની બોલવામાં જે મીઠાસ છે તે કદાચ અમૃત પણ નહી હોય! જ્યાં
જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે ત્યાં ગુર્જરી માહોલ ઉભો થાય છે. આપણા હિંદુ ધર્મએ ગુજરાતી
ભાષાને જીવનદાન આપ્યું છે જેના કારણે આપણી ભાષા સજીવન થતી રહી છે. આજની યુવા
પેઢીને આવા વાંચનનો શોખ ધીમે ધીમે ઘટતો જાય છે. આજનો યુવા વર્ગ મોબાઈલ અને ઈન્ટરનેટને
કારણે આવા વાંચન માં રસ દાખવતો નથી. આજે માણસ જેની પાસે પૈસા વધુ છે તેને મહત્વ
આપે છે પણ એક સમય એવો આવશે કે જેની પાસે વાંચન રૂપી મૂળી હશે એ મહાન ગણાશે.
અંતમાં
બસ એટલું જ કહેવા માંગું છું કે આપણા મુગટરૂપી શણગાર ગુજરાતી ભાષાને સાચવી રાખજો
અને તેનું જતન કરજો. નહીતર હવે કદાચ દુનિયામાં દિવો લઈ ને શોધવા જશું તો જેણે
ગુજરાતી સાહિત્ય.......સંસ્કૃતિનો પાયો નાખ્યો એવા ઝવેરચંદ મેઘાણી, કવિ કાગ કે
હેમુ ગઢવી મળવા મુશ્કેલ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો