શનિવાર, 13 એપ્રિલ, 2019

સોશિયલ મીડિયામાં ડૂબી રહેલી યુવા પેઢી.

                                                                                                                                   -જયસુખ કુછડીયા
21મી સદીને જ્ઞાન અને માહિતીનો યુગ કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં આધુનિક ટકનોલોજી અને સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો ઝડપથી વધ્યો છે કે, બહુ ઓછા સમયમાં અનેક લોકોના સંપર્કમાં આપણે પહોંચી શકાય છે. આજે સોશિયલ મીડિયાથી દુનિયા ખુબ નજીક આવી ગઈ છે. ફેસબુક, ટ્વીટર, વ્હોટ્સએપ અને બીજી ઘણીબધી સાઈટ્સના માધ્યમથી લોકો પોતાની અભિવ્યક્તિને અનેક લોકો સુધી સરળતાથી પહોંચાડી શકે છે. પરંતુ જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેમ આજે સોશિયલ મીડિયામાં પણ સારા-ખરાબ પરિબળો એમ બંને જવાબદાર છે.
મિત્રો, આ બધી એપ્લીકેશન જેવી કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટસેપ અને ટ્વીટર ઉપરાંત તેના સિવાય ની પણ ઘણી બધી એપ્સ હશે. પરંતુ આપને હું એમ નથી કહેવા માંગતો કે આ બધુ ખરાબ છે. આ બધી ટેકનોલોજી કોઈને કોઈ ક્ષેત્રમાં આપણે ઉપયોગી બને છે. જેમ કે સોશિયલ મિડિયાના માધ્યમથી ન્યૂઝ,  દુનિયામાં બનતા બનાવો, સંદેશાની આપ-લે વિગેરે જાણી શકો છો. સોશિયલ મીડિયાનો વિવેક પૂર્વક ઉપયોગ સારી વસ્તુઓ શીખવાડે છે.
પરંતુ તેનો કયા ઉપયોગ કરવો? એજ આજની યુવાન પેઢીને સમજાતું નથી. જેના કારણે આવા માતા-પિતાના સંતાનોને પાછળથી તેનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે.ઘણી વાર વાયુ વેગે ખોટી અફવાઓ ફેલાવવામાં સોશિયલ મીડીયાએ ઘણો જ મહત્વનો ભાગ ભજવેલો  છે. આપણે જાણીએ છીએ કે, વર્તમાનમાં સંતાનો જેટલો સમય તેમના મિત્રો સાથે વાતચીતમાં પસાર કરે છે, એટલો સમય સંતાનો સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેવાનું પસંદ કરે છે. આજની યુવાન પેઢીના બાળકોના જીવનમાંથી હવે ટી.વી, મોબાઈલ કે ઈન્ટરનેટ દુર કરી શકાય તેવું રહ્યું નથી. આવા બધા ખતરનાક દુષણોએ આપણા સંતાનો પર કાયમી માટે પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે. આ બધી ટેકનોલોજીની આપણા સંતાનો પર થતી માઠી અસરોનો સરવાળો કરવા બેસીએ તો કદાચ એક પુરી રામાયણ કે મહાભારત લખાય જાય તો પણ તેનો અંત આવી શકે તેમ નથી.
સોશિયલ મીડિયાની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી તેના ચાહકો સવારે ઉઠતાની સાથે જ અનેક લોકોને મેસેજ, ટેગ અને પોસ્ટ મૂકી સતત માહિતી અને જ્ઞાનનો પથારો પાથરી ઘર બેઠા જ બીજાની પથારી ફેરવવામાં વ્યસ્ત હોય છે. એ વહેંચાયેલી સારી-ખરાબ માહિતી  બીજો ત્રીજા સુધી અને ત્રીજો અનેક સુધી પહોચાડી દે છે. સોશિયલ મીડિયાને જ્યારે આ દુનિયામાં કોઈ ઓળખતું નહોતું ત્યારે આપણે સૌ ઘરના વડીલો સાથે બેસીને આપણા ભવ્ય વારસા અને સંસ્કૃતિ વિશેની વાતો સાંભળતા પરંતુ આજે તો આપણો સાચો વડીલ ઘરમાં રહેલો ચાર્જીંગનો પોઈન્ટ છે. આજના સમયમાં સોશિયલ મીડિયાનું સંતાનોને વ્યસન એટલું વધી ગયું છે કે કોઈ પ્રખ્યાત નેતા કે રાજકારણી આવવાના હોય અને ઈન્ટરનેટ જો માત્ર બે કલાક પુરતું બંધ રાખવામાં આવે તો જાણે શરીરમાં ઓક્સિજનની કમી આવી હોય અને જેમ શ્વાસ લેવામાં તકલીફ પડે એવો આજના યુવાનોને એહસાસ થાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સોશિયલ મીડિયામાં ડૂબી રહેલી યુવા પેઢી.

                                                                                                                                   -...